લેખકો (Authors)
- કાનજી પટેલ
- ડૉ. પ્રફુલ્લ શાહ
- રાજેન્દ્ર પટેલ
- રાજેન્દ્ર શાહ
- પ્રીતિ સેનગુપ્તા
- જિતેન્દ્ર દવે
- સંજય ચૌધરી
અમૃતા લેખક : રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા 'અમૃતા' વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે.
સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી - ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.
નાયિકા અમૃતા ડૉકટરેટ પામે છે, તે પ્રસંગે એને અભિનંદન આપવા એના બે મિત્રો ઉદયન અને અનિકેત એને ઘેર આવે છે, અને એ ત્રણે વાત કરતાં હોય છે, ત્યાંથી કથાનો આરંભ થાય છે. એ શરૂઆતના વાર્તાલાપમાં જ ત્રણે પાત્રોના સ્વભાવની વિભિન્નતાનો આપણને અણસાર મળી રહે છે. ઉદયન ચાલુ વર્તમાન કાળને જ માને છે. એને મન એ કદી પૂર્ણ થતો જ નથી. અને ભૂતમાં એને રસ નથી. જે મૃત છે તેની સાથે એને નિસ્બત નથી. એના વિશે અનિકેતે અને એણે પોતે વસિયતનામામાં સાચું જ કહ્યું છે કે, એ પોતાના સમયને, તેના અસંતોષને નિષ્ઠાપૂર્વક જીવ્યો છે. અનિકેત વ્યતીત અને ભવિષ્ય બંનેમાં માને છે. વર્તમાન એને મન ભ્રમ છે. માણસે વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે. માણસનાં બે ચરણ: એક સ્મૃતિમાં, બીજું શ્રદ્ધા વિશે. જ્યારે અમૃતા સમયનું વિભાજન કરતી નથી. એને મન એ શક્યા નથી. કારણ, સમય તો શાશ્વત છે. અમૃતા, ઉદયન અને અનિકેત ત્રણે સ્વાતંત્ર્યવાદી છે. ઉદયન અમૃતાને મેળવવા ઈચ્છે છે, પણ તે પોતે સમજણી અને આત્મનિર્ભર થાય અને સ્વેચ્છાએ એનો સ્વીકાર કરે એવું ઇચ્છે છે. કારણ, એ માનતો હતો કે, `સમજથી નજીક આવેલાં સાથે રહી શકે. પ્રેમ તો આકસ્મિક કહેવાય. જે આકસ્મિક છે, જેના ઉપર મારું નિયંત્રણ નથી તેને પામવાથી શું"?' અમૃતા પણ સ્વાતંત્ર્યને પોતાના જીવનનો પ્રણ સમજે છે. વારે વારે એ પોતાના સ્વાતંત્ર્યનો, પોતાના આત્મનિર્ણયના હક્કનો, પોતાની વરણીનો પ્રશ્ન ઊભો કરે છે. એના બે પુરુષો સાથેના નિકટ સંબંધ માટે એને ઠપકો આપતાં કુટુંબીજનોને લખેલા બીજા પત્રમાં એ કહે છે: `મારે સંપત્તિ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે.' અનિકેત પણ સ્વાતંત્ર્યવાદી છે, પણ આ બે કરતાં એનો ઝોક જરા જુદો છે. અનિકેત આફ્રિકામાં વેપાર કરતા શ્રીમંત પિતાનો પુત્ર છે. વિજ્ઞાનનો અભ્યાસી છે. આદર્શવાદી છે અને પોતે સ્વીકારેલા અધ્યાપનકાર્યને અનુરૂપ જીવન ગાળવા મથે છે. પિતાએ એને માટે ર્મસિડિસ કારનો ઑર્ડર નોંધાવી દીધો હતો પણ એણે ફોન ઉપર તરત જ ના પાડી દીધી હતી — `અધ્યાપક જેવા માણસને કાર ખપની નથી.' ઉદયને જ એનો અમૃતા સાથે બે વરસ પહેલાં પરિચય કરાવ્યો હતો. તે માને છે કે પ્રેમ પ્રાપ્ત થતો હોય છે, અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી...પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે.
ઉદયનની પ્રચંડ ગતિ અમૃતાને આકર્ષે છે, પણ એ ગતિ એને દિશાશૂન્ય લાગે છે; એના સંઘર્ષો સામે એને વાંધો નથી. પણ એ સંઘર્ષો એને લક્ષ્યહીન લાગે છે. એ બીજાની જે ઉપેક્ષા કરે છે તેની પાછળ એને અશ્રદ્ધા દેખાય છે. એની પડછે અનિકેતના હૃદયની ઉદારતા, નિરપેક્ષતા અને સામાના સ્વાતંત્ર્ય માટેનો આદર એને ગમે છે. ઉદયન સ્નેહને બદલે વિચારને જ મહત્વ આપે છે. અનિકેત પણ અમૃતા પ્રત્યે આકર્ષાયેલો છે; પણ ઉદયન-અમૃતાના સંબંધમાં પોતે આડખીલીરૂપ છે એમ સમજી એ મુંબઈ છોડી રાજસ્થાનમાં રણને અંગે સંશોધન કરવા ચાલ્યો જાય છે. વિદાય પહેલાં એ અમૃતાને કહે છે: `અમૃતા હું તને ચાહું છું... પણ જાઉં છું. કેવળ અધ્યયન માટે નથી જતો. અહીંથી દૂર પણ જાઉં છું.' `જે ગુમાવવાનું છે તેનો અભાવ જીરવીને હું મારા મનને વાળવા મથીશ... હું ઉદયન ઉપર ઉપકાર કરવા ધારું છું એવું પણ નથી... આપણા પરસ્પર વિશેના ભાવ આગળ વધીને સ્થૂળ પ્રપ્તિની કામના કરે તો નવાઈ નહીં પરંતુ આ ક્ષણે મારો તમારા તરફનો જે ભાવ છે. તેમાં અભિલાષાને સ્થાન નથી... મને પ્રતીતિ છે કે ઉદયન તમને ચાહે છે બલ્કે વાંછે છે.' એની એવી ગણતરી હતી કે પોતે દૂર જતાં ઉદયન-અમૃતા વચ્ચેનું ફાચર દૂર થશે અને એ બે પરસ્પર નિકટ આવશે અને પોતે પણ અમૃતા વિશેના અભિલાષથી મુક્ત રહી શકશે. પણ આમાંની એકે ગણતરી સાચી ન પડી.
એક જગ્યાએ ઉદયન કહે છે: `આપણે પોતાના અસ્તિત્વને વફાદાર રહીએ તે જરૂરી છે.' ત્યારે અનિકેત કહે છે : `મારું લક્ષ્ય પણ વફાદારી છે. કેવળ પોતા તરફની નહિ, સમગ્ર તરફની.' અમૃતાનું મન આ બે વચ્ચે ઝોલાં ખાય છે. એ નિર્ણય નથી કરી શકતી કે કોને વરવું"? ઉદયન દેશમાં ફરીને જાપાન ગયો. ત્યાં પાંત્રીસ દિવસ રોકાયો. તેર દિવસ હીરોશીમામાં ગાળ્યા. ત્યાંની રેડિયો-ઍકિટવિટીની અસરવાળાંની ઈસ્પિતાલની અનેક વાર મુલાકાત લીધી. દરદીઓને મળ્યો. દાક્તરે મના કરી એટલે અટક્યો. પણ તે પહેલાં એને ચેપ લાગી ચૂક્યો હતો. દેશ આવી સિલોન ગયો પણ બેચેની અને શરીર ભારે લાગતાં પ્રવાસ અધૂરો મૂકી મુંબઈ આવી રહ્યો. એનો પત્ર મળતાં અનિકેત મુંબઈ આવે છે અને એની સ્થિતિ જોઈ તથા વિગતો જાણી દાક્તરોને બોલાવી તેમની સલાહથી ઉદયનને ઈસ્પિતાલમાં લઈ જવાની તૈયારી કરે છે. પારકાની ભલાઈથી પોતાનું જીવન બચે છે એ જોતાં ઉદયનને થાય છે કે `આ સૃષ્ટિમાં જે કંઈ છે તે બધું પરસ્પર સંકળાયેલું છે એમ કહેનાર અનિકેત સાચો નીકળ્યો... હું એકલો નથી. અહીં કોઈ એકલું નથી.' અમૃતા ઉદયનને મળવા આવી ત્યારે તેણે એને ધન્યવાદ આપતાં કહ્યું હતું: `અનિકેત સારો માણસ છે, એ મારો મિત્ર છે માટે હું એનાં વખાણ નથી કરતો. સાચે જ તારી પસંદગી ધન્યવાદને પાત્ર છે. હું તો હવે ખોવાયેલો માણસ કહેવાઉં.' ત્યારે અમૃતાએ કહ્યું હતું": `ખોવાયેલાને જ શોધવા નીકળવાનું હોય છે. મેં વરણી કરી લીધી છે. અને મારી વરણી ભૂલભરેલી હોય એવું મને લાગતું નથી.' અમૃતાના સંકલ્પ આગળ ઉદયનની વિમુખતા ટકી ન શકી.ઉદયન સારો થયો. અનિકેત પાછો ગયો અને ઉદયન થોડા દિવસ મૈસૂર ગયો અને પછી ડૉકટરે સૂકી હવામાં આરામ લેવાનું સૂચવતાં હઠ કરીને અમૃતા પણ તેની સાથે ભિલોડા ગઈ. ભિલોડા ગયા પછી શરૂઆતમાં તો ઉદયન એમ માને છે કે, અહીંના જીવનની હાડમારીથી અમૃતા જરૂર કંટાળી જશે અને હું એને વળાવી આવીને બારણાં બંધ કરીને ઊંઘી જઈશ. પણ એની એ ધારણા ખોટી પડી. અમૃતાના પ્રેમની શક્તિ આગળ કૃતક રોષ, ઉપહાસ, તિરસ્કાર, કટાક્ષ બધાં શસ્ત્રો હેઠાં પડ્યાં અને એને ખાતરી થઈ કે એને પાછી કાઢવી તો શક્ય જ નથી. અમૃતા જે નિર્ભયતાથી એની શુશ્ર્રુષા કરે છે તે જોઈને એને થાય છે કે, મારા રોગનું મેં કરેલું વર્ણન સાંભળીને તો `કદાચ માતા હોય તે પણ ગભરાઈ જાય. પણ આ નારી તો માતૃત્વની સીમાઓને પણ ઓળંગી ગઈ...આટલી બધી અભય ક્યારથી થઈ ગઈ...ઇચ્છા થાય છે કે એના ઉછંગમાં માથું મૂકીને રડી લઉં. એને સમજ્યા વિના જે અવહેલના કરી બેઠો તે માટે પ્રયશ્ચિત્ત કરી લઉં'. (પૃ. 448). એ નિશ્ચય કરે છે કે, `આજ સુધી જેને સ્વપ્નની જેમ સાચવી હતી તેને ભડકે બળતી ચિતાનું સૌભાગ્ય સોંપવું પાલવે નહિ.' (પૃ. 445). `ના, હું અમૃતાનો વિનાશ નહીં કરું. એને અસંપૃક્ત રાખવામાં હું મારી સમગ્ર શક્તિ કામે લગાડીશ.' (પૃ. 447). આથી એ અમૃતાને સદા દૂર રાખે છે અને અમૃતાના અંતરમાંથી પેલી ચીસ નીકળી જાય છે કે મારે શું તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઈચ્છે છે?
ઉદયન પોતાની તબિયતની સાચી હાલતનો એને ખ્યાલ આવવા દેતો નથી છતાં એક દિવસ અચાનક અમૃતા એની પીઠ ઉપરનું ચાઠું જોઈ જાય છે અને ડૉકટરની મદદથી જીપમાં એને અમદાવાદ લઈ આવે છે. ડૉકટરો ઉપચાર તો કરે છે પણ કારી વાગતી નથી. એ અંત સમજી જઈ અમૃતાને પોતાનું વસિયતનામું લખાવે છે. અને અનિકેતની પ્રતીક્ષા કરતો પડ્યો હોય છે ત્યાં તે માર માર કરતો દાદરો ચડીને આવે છે `ઉદયનના હાંફતા છતાં ર્નિવિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી, એનું મસ્તક Žચું થયું અને હાથ ઊંચકાયા. અને... અને ... અનિકેત ભોંઠો પડીને એક ડગલું પાછળ હઠી ગયો... ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જે અવકાશ હતો તેની વચ્ચે એક જિંદગી શબ બનીને પડી હતી.'
અમૃતાને વરણીના હકનો—સ્વાતંત્ર્યનો ધખારો હતો. તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. (પૃ. 232). એ સદા સ્નેહ ઉપર ભાર મૂકનારી અને ઉદયન સુધરે એવી ઈચ્છા સેવનારીએ એવા ને એવા ઉદયનને સ્વીકારી લેવાનો અંતિમ નિર્ણય અનુકંપાથી પ્રેરાઈને લેવો પડે છે. ઉદયનને સમજાય છે કે, સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી. સંસારમાં બધાં પરસ્પર સંકળાયેલાં છે. કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. (પૃ. 376). પ્રેમ ભ્રમણા નથી. મૌગ્ધ્ય નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ ઉપર પણ વિજયી નીવડે છે. (પૃ. 430, 448). અનિકેતને સમજાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી અને સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેવી કઠિન વાત છે.(પૃ. 342). વળી એને એ પણ સમજાય છે કે બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે.(પૂ. 381). એ પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે, બીજી રીતે કહીએ તો એ આત્મવિસ્તાર કરી ભૂમાની સાધના કરવા મથતો માણસ છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુકત રહી શકયું છે.
ત્રણે પાત્રો સંનિષ્ઠ હોવા છતાં ત્રણેને પોતાના ગ્રહો અથવા આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે,અને ત્રણે અંતે જતાં વિશુદ્ધતર બની બહાર પડે છે. પાત્રોના માનસમાં ચાલતું મંથન કે આવતા પલટા એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને એટલી સૂક્ષ્મતાથી થઈ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયોગ કરેલો છે. ક્યાંક સીધું કથન, તો ક્યાંક પાત્રમુખે આત્મકથન, ક્યાંક બીજાં પાત્રો દ્વારા કોઈ પાત્રના વ્યવહારનું પૃથક્કરણ તો ક્યાંક પત્રો દ્વારા માનસવ્યાપારોનું ઉદ્ઘાટન, તો ક્યાંક સ્વપ્ન, વાર્તા કે પાત્રના વ્યાખ્યાન દ્વારા સૂચન — એમ નાનાવિધ ઉપાયો વડે એમણે પાત્રોના માનસવ્યાપારને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોંચ્યા વગર જંપવા દેતી નથી, એ એમને મળેલી સફળતા દર્શાવે છે. કથામાં આવતાં વર્ણનો — સાગરનું, રણનું, સ્થળોનાં અને વિવિધ પ્રદેશોનાં બધાં આસ્વાદ્ય અને પ્રતીતિકર છે. લેખકે આ કથાવસ્તુની જે રીતે માવજત કરી છે તે વિશિષ્ટ છે. ત્રણ પાત્રોના વિચારો દ્વારા લેખકે જીવન અને જગત વિષે જે મંથન રજૂ કર્યું છે અને એ મંથન દ્વારા એ પાત્રોનાં આંતરિક જીવનનું જે ચિત્ર રજૂ કર્યું છે તેને લીધે અમૃતા એક વિશિષ્ટ નવલકથા બની રહી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓની પરંપરામાં આધુનિક યુગની સમસ્યાઓ અવતરવાનું બીડું ઝડપી લેતી અમૃતાનું સ્થાન નિઃશંક છે. અસ્તિત્વવાદ અને ભારતીય દર્શનોમાં સૂચિત અનાસક્તકર્મના સંઘર્ષની વિચારપ્રધાન નવલકથા. બુદ્ધિ પર પ્રેમના વિજયની આ કથાએ લેખકને નાની વયે ગુજરાતના ઉત્તમ સર્જકોમાં સ્થાન અપાવ્યું.
[નગીનદાસ પારેખ, ધીરેન્દ્ર મહેતા (ગુજરાતી સાહિત્યકોશ - 2, ગુજરાતી સાહિત્ય પરિષદ), દિપક મહેતા, રાધેશ્યામ શર્માના લેખ પરથી સંક્ષિપ્ત]
Author | રઘુવીર ચૌધરી |
---|
- કાનજી પટેલ
- ડૉ. પ્રફુલ્લ શાહ
- રાજેન્દ્ર પટેલ
- રાજેન્દ્ર શાહ
- પ્રીતિ સેનગુપ્તા
- જિતેન્દ્ર દવે
- સંજય ચૌધરી