ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સંપાદક ડૉ. રમેશ ર. દવે નવલકથા અને વાર્તાના સ્વરૂપના ઊંડા અભ્યાસી છે. ઉત્તર – આધુનિક તબક્કામાં વાર્તાના વિષયવસ્તુનો વ્યાપ વધ્યો, એમાં રમેશ ર. દવેનો નોંધપાત્ર ફાળો છે. ગ્રામજીવનનાં પાત્રોની એમની માવજત નોખી છે. સ્ત્રી-પુરુષ સંબંધની વિષય-અવસ્થાઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં સૂક્ષ્મતાથી થયું છે. પ્રશિષ્ટ ભાષા અને બોલચાલની ભાષા પર એમનો કાબૂ ધ્યાન ખેંચતો રહ્યો છે.
- રઘુવીર ચૌધરી
‘પાત્રો મારી જીવનમૂડી છે.’ એમ કહેતા આ વાર્તાકારની પાત્રસૃષ્ટિ ભાતીગળ છે. તેમની વાર્તાઓમાં જેટલું વિષય-વસ્તુનું વૈવિધ્ય વરતાય છે તેટલું જ વૈવિધ્ય છે પાત્રસૃષ્ટિનું. અહીં વય, વ્યવસાય, જીવનવલણો અને સ્વભાવ-પ્રકૃતિનું વૈવિધ્ય તો છે જ પણ એમની આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતના પણ નિરનિરાળી છે.
આ વાર્તાકર કોઈ એક જ રચનારીતિમાં બંધાઈ જાય તેવા નથી. વિવિધ રચનાપ્રયુક્તિઓ પ્રયોજે છે. પત્ર, ડાયરીલેખન, સંવાદો તેમની અનેક વાર્તાઓમાં કથનગત માધ્યમ – ઉપકરણ બનીને આવે છે. કશીક નવી વાત, કશીક નવી રીતે ન કહેવાની હોય, ન કહી શકવાની હોય તો વાર્તા લખવી શા માટે ? – એવું માનતા આ વાર્તાકાર રચનારીતિમાં અનેક પ્રયોગો કરે છે.
- પારુલ કે. દેસાઈ
આપણી ભાષાનાં ઘણાં સર્જકોથી આ સર્જકની દાર્શનિક ભૂમિકા કહો કે ભાવસૃષ્ટિ જુદી પડે છે. આ સંગ્રહની વાર્તાઓની ભાવસૃષ્ટિ એટલે ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ – ‘સહ્યા જેવું જે વિધિદત્ત કાંઈ’ – ની માફક એકબીજાને સહન કરતાં પાત્રો, ફરિયાદ વગર, રોષ વગર, નકાર વગર, તિરસ્કાર વગર, આખરી તાવણીએ તવાઈને પણ એકબીજાને માફ કરતાં, ચાહ્યાં કરતાં ઉદાર ને ઉદાત્ત પાત્રો.
- બિપીન પટેલ
અનેકવિધ સામાજિક પરિવેશ અને તેની વૈવિધ્યથી ભરપૂર પાત્રસૃષ્ટિ સંદર્ભે કથન, વર્ણન અને સંવાદ રૂપે પ્રયોજાયેલી કથા-ભાષા વાર્તાકારની માતબર ભાષાસજ્જતાનો સુંદર પરિચય કરાવે છે. ગ્રામીણ કે શહેરી પરિવેશ, સંવેદના, બોલી-ભાષા પ્રયોગ ઉભયપક્ષે રમેશ ર. દવેનું સામર્થ્ય તેમને સવ્યસાચી વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે.
- પારુલ કે. દેસાઈ