મુખ્ય પૃષ્ઠ (Home) arrow પુસ્તકો વિશે વિગતો
Collection / પ્રવાસ વર્ણન / ગિરનાર
Title: ગિરનાર
Type: Book
Author(s): સંજય ચૌધરી
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 304
Price: 190 રૂ.
Language: ગુજરાતી

ગિરનાર પુસ્તક વિશે (Book on `Girnar')

આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને ગિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઈતિહાસ, આરઝી હકૂમત તથા `હુ હુ' નવલકથા વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે.

`ગિરનાર' પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તા. 7 મે, 2009ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

ISBN: 978-93-80125-00-8

અવલોકનો માટે અહીં ક્લીક કરો (Reviews of book on `Girnar')

પુસ્તક અંગે સંજય ચૌધરીની મુલાકાત (Interview on book Girnar by Sanjay Chaudhary)

For further information about `Girnar' and Literature about ‘Girnar’, you can visit the following web site:

http://en.wikipedia.org/wiki/Girnar

http://gu.wikipedia.org/wiki/ગિરનાર


 

 

Reviews
Administrator (admin):
Thursday, 24 November 2011
ફૂલછાબ

ગિરિ તળેટી ને કુંડ દામોદર

પોતાના વતન વિશે, પોતાના નગર વિશે, કોઈ સ્થળ વિશે એમ પુસ્તકો ઘણાં થતાં હોય છે. આ પુસ્તક `ગિરનાર'માં શ્રી સંજય ચૌધરીએ લીધેલી જહેમત અને ઝીણી મોટી વિગત માટે ચીવટ અને લીધેલી કાળજી ઊડીને આંખે વળગે છે. `ગિરનાર'ને પૂરેપૂરો આત્મસાત કરી લીધાનું અને પૂરેપૂરો ન્યાય અપાયાનું સ્પષ્ટ જણાઈ આવે છે. લેખકે અનેક દૃષ્ટિકોણથી ગિરનારને જોયો છે.

ગિરનાર અને તેની પરિક્રમા, લીલી પરિક્રમા, માળવેલા ઘોડીનું ચઢાણ, બોરદેવી, બીજી પરિક્રમા, ગિરનાર પર્વત, તળેટી અને જૂનાગઢ, તળેટી અને આસપાસનાં તીર્થધામો, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો,ગિરનાર આરોહણ અને સોપાનમાર્ગ, ગિરનારમાં વૃક્ષ, છોડ, વેલાવેલી, ગિરનાર અને ગીર : વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, આ ઉપરાંત ઘણી બધી માહિતી અને ગિરનારની આસપાસનાં આશ્રમોની જાણકારી પણ આપેલી છે.સાહિત્યમાં ગિરનાર વિભાગમાં ગિરનાર અને જૂનાગઢ વિશે જાણીતા કવિઓની કવિતાઓ આપી છે. મોટાભાગે કવિતાના પ્રારંભે કે અંતે લેખકે પોતાના તરફથી ઉપયોગી ટૂંકી નોંધ પણ મૂકી છે. ગિરનાર વિશે કહેવાયેલા લોકસાહિત્યના ઘણા બધા દુહાઓ, છંદ અને કવિતા વગેરેનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલો છે.

બીજો આખો વિભાગ - જૂનાગઢનો ઇતિ્હાસ પણ છે. મજાની વાત એ છે કે આ લેખકને વિવેચક ન કહીએ પણ જૂનાગઢના અતીત અને હિન્દુ મુસ્લિમ ઐક્યની ઐતિહાસિક કથા `હુ હુ' નો સુંદર આસ્વાદ પણ કરાવેલો છે.

પ્રત્યેક ગિરનાર-પ્રેમીએ વસાવવા લાયક આ ગ્રંથ છે. 

- હર્ષદ ચંદારાણા, ફૂલછાબ, મધુવન પૂર્તિ, રવિવાર, તા. 12-7-2009 (સંક્ષિપ્ત)

 

 

Administrator (admin):
Thursday, 24 November 2011
આરપાર

ગિરનાર પરિક્રમા શબ્દે શબ્દે

ગિરનારનો પ્રાકૃતિક વારસો, તેનું ઐતિહાસિક મહત્ત્વ અને તેનું ખમીર... આજે પણ એટલા ભવ્ય છે કે ગિરનાર પર ધૂણી ધખાવનાર જિંદગીમાં બીજું કશું ના માંગે. તેને આંખો બંધ કરીને તાદૃશ્ય કરવો એ ત્યાં ન ગયેલા માટે કલ્પનાનો વિષય છે, તો ત્યાં જઈ ચડેલા માટે તે કવિતા છે. તેની વિશાળતા એટલી અમાપ છે કે તેને શબ્દબદ્ધ કરવો અઘરો પડે. છતાં ગિરનારને ખેડનારા, તેની ઝલક મેળવનારા, તેના ડુંગરા-તળ ખૂંદનારાઓ તેને શબ્દબદ્ધ કર્યા વિના રહી શકતા નથી.

તપોભૂમિ ગિરનારને આબેહૂબ શબ્દબદ્ધ કરતું પુસ્તક `ગિરનાર' વાંચવામાં આવ્યું. લેખક સંજય ચૌધરીએ ગિરનારની ભવ્યતા, તેનું ધાર્મિક માહત્મ્ય, પ્રાકૃતિક વારસો, ઇતિહાસ વગેરે અંગે અનેકવાર પ્રવાસો ખેડી-સંશોધન કરી તેને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યું છે. ગિરનારની પરિક્રમા  - પરકમ્મા વિશે માહિતી અને લોકમાન્યતાઓ દરમિયાન નકશો દર્શાવી, લેખક હરએક મુકામે, હરએક ડગલે પોતાની સાથે વાચકને પણ ગિરનાર દર્શન કરાવે છે.  તેનાં વર્ણનોના આસ્વાદ જોઈએ તો,

`સ્નાન કર્યા બાદ થાક ઉતરી ગયો અને ધીરે ધીરે માળવેલાની જગ્ય તરફ ચાલ્યા. માળવેલામાં મહાદેવનું મંદિર અને તેની બાજુમાં મહાકાળી માતાનું મંદિર છે. અહીં ભજનો ગવાઈ રહ્યા છે અને આખી રાત ગવાશે...રસ્તાની આજુબાજુ અને અંદરના ભાગમાં જ્યાં પણ નજર કરો ત્યાં બધે જ માણસો પાથરણાં પાથરીને આરામ કરી રહ્યા છે. સૂકા લાકડાં શોધી, ચૂલા તૈયાર કરી, રસોઈની તૈયારી થઈ રહી છે...'

 ઝાઝું અલંકારિત નહીં, પણ ગિરનારની પરિક્રમા પાને-પાનેથી નિતરે તેવું વર્ણન, પ્રવાસ અને પરિક્રમા દરમ્યાન લેખકે ઘણી ઝીણવટથી અભ્યાસ કર્યો હોવાનું દેખાય છે. `પહાડી અને વન વિસ્તામાં ચાલ્યા પછી થાકીને પુરુષો આરામ કરે પણ સ્ત્રીઓ રસોઈમાં લાગી જાય, અજાણ્યા માણસો સાથે બંધાતો ભક્તિ સંબંધ, અન્નક્ષેત્રોમાં જોવા મળતો અતિથિભાવ, પહાડી વિસ્તારમાં ચાલતી વખતે લેશમાત્ર પણ કકળાટ ન કરતા બાળકો...'

લેખક સંજય ચૌધરીએ `ગિરનાર' પુસ્તકને ન્યાય આપવામાં કશી કચાશ છોડી નથી. ગિરનારની કલ્પના કરનારાઓ માટે પુસ્તક ગીર દર્શન કરાવનારું, તો તે અંગે અભ્યાસ કરનારાઓ માટે સંશોધનોનું સ્વરૂપ, ગિરનાર ફરવા-પરિક્રમા કરવા જનાર માટે પુસ્તક ગાઈડ સમાન તો વળી પ્રવાસીઓ માટે ઉત્તમ પ્રવાસ વર્ણન બની રહ્યું છે. ગિરનાર માટેનો નાનકડો એન્સાઈક્લોપિડિયા જેવું ગિરનાર પુસ્તક માણવાની  સાથે વસાવવા જેવું ખરું.

- આરપાર, પુસ્તક પરિચય, તા. 27-7-2009, અંક નંબર 404

 

Administrator (admin):
Thursday, 24 March 2011
શબ્દસૃષ્ટિ

`ગિરનાર' : આધારભૂત અભ્યાસ ગ્રંથ

ગિરનાર ગુજરાતનું ગૌરવ છે અને સૌરાષ્ટ્રનું નાક. સંશોધનની શરતે ને પ્રવાસીની જિજ્ઞાસાથી તૈયાર થયેલું આ પુસ્તક પર્વતાધિરાજ એવા ગિરનારની પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ભૌગોલિક, પ્રાકૃતિક અને સાહિત્યિક એવી આધારભૂત માહિતી સંઘરતા નોંધપાત્ર એવા દસ્તાવેજી ગ્રંથનું મૂલ્ય ધરાવે છે. આ યાત્રાની અનુભવગાથામાં વણાઈને આવતી સ્થળ વિષયક  માહિતી પ્રવાસ વર્ણનની ગતિશીલતાને કારણે સ્થૂળમાત્ર બની રહેતી નથી. સાહિત્યમાં ગિરનારનો ઉલ્લેખ ચીંધી બતાવતા લેખકે  છેક પૌરાણિક કાળથી આરંભી અર્વાચીન કાળના આધુનિક કવિ-લેખકોની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે, તે આ પુસ્તકનું રસિક એવું નોંધપાત્ર જમા પાસું છે.  સમગ્ર ગ્રંથ ગિરનાર વિશેનો આધારભૂત માહિતીગ્રંથ છે. ગિરનાર જેવી સમૃદ્ધિથી છલકતો આ ગ્રંથ પ્રવાસીઓ, રસિકો,  અને અભ્યાસુઓ માટે ચોક્કસ દિગ્દર્શક બની શકે તેટલો માતબર ઉપયોગી છે. ને એ જ તો એની ખરી ઊંચાઈ છે.
- શ્રી ગુણવંત વ્યાસ, ગ્રંથાવલોકન, શબ્દસૃષ્ટિ, માર્ચ, 2011
Administrator (admin):
Thursday, 24 March 2011
ફિલિંગ્સ

સંજય ચૌધરી દ્વારા લિખિત `ગિરનાર' એ ગુજરાતના સર્વોચ્ચ શિખર વિશે સંપૂર્ણ માહિતી પૂરું પાડતું લાજવાબ પુસ્તક છે. પુસ્તકમાં ગિરનાર અને તેની પરિક્રમાથી માંડીને તેનો પ્રારંભ, માળવેલાની ઘોડીનું ચઢાણ, બોરદેવી તરફ પ્રયાણ તેમ જ ગિરનારની તળેટી અને તેની આસપાસનાં મહત્ત્વનાં તીર્થધામો તેમ જ જૂનાગઢનાં જોવાલાયક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિરનાર સંબંધિત એક પણ બાબતોનો ઉલ્લેખ કરવાનું લેખક ચૂક્યા નથી તે આ પુસ્તકનો પ્લસ પોઇન્ટ છે. પુસ્તકમાં જૂનાગઢના ઇતિહાસને પણ વણી લેવાયો છે. મૌર્ય યુગથી લઈને રાજપૂત યુગ, મોઘલ સામાજ્રય, મુસ્લિમ સમયને પણ અહીં યથાશક્તિ સ્પેસ આપવામાં આવી છે. પુસ્તકમાં ઝીણાબાવાનો ધૂણો, રામનાથ મહાદેવ, માળવેલાની ઘોડી ચઢતી વેળા તેમ જ ઘોડી ચઢ્યા પછી આરામ ફરમાવતા ભક્તો, બોરદેવી વિસ્તારમાં ચાલતા યાત્રાળુઓ, બોરદેવી માતાનું મંદિર, સાસણ ગીર તેમ જ ગિરનાર વગેરે જેવા કેટલાક અલભ્ય તેમ જ અદ્ભૂત રંગીન ફોટોગ્રાફ્સ આ પુસ્તકમાં જાન રેડે છે. આ સિવાય ભાષાકીય શૈલી પુસ્તકને આગવી ઊંચાઈ બક્ષે છે. ગિરનાર, ગિરનારની પરિક્રમા અને જૂનાગઢના ઐતિહાસિક પરિચય તેમ જ કેટલીક ઠોસ વિગતો તેમ જ નક્કર હકીકતો અને સંદર્ભ પુસ્તકો સાથે તૈયાર કરાયેલું આ પુસ્તક વિદ્યાર્થીઓ ઉપરાંત ગિરનાર અને જૂનાગના પ્રવાસે જનારા લોકો માટે બહુ ઉપયોગી થઈ પડે તેવું છે.
- બુક રિવ્યુ - આગમન, `ફિલિંગ્સ', ફેબ્રુઆરી 2011
Administrator (admin):
Sunday, 31 October 2010
પરબ

લેખકે આ ભૂમિમાં વારંવાર ભ્રમણ કરી, એના ઇતિહાસનો, એના પૌરાણિક સંદર્ભોનો, એના ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાનનો, એની વન્યસંપત્તિનો, એના લોકસાહિત્યનો, એના પર લખાયેલ સાહિત્યનો, વગેરે અનેક પાસાંઓનો સમગ્રલક્ષી અભ્યાસ કર્યો અને એના પરિપાક રૂપે જે પુસ્તક પ્રાપ્ત થયું, તે આ પુસ્તક `ગિરનાર'. પુસ્તકમાં મેં કરેલ પ્રવાસને અંતે ગિરનાર સાથે બધું પરિચિત લાગવા માંડ્યું છે. ગિરનારને સમગ્રતાથી ચાહી, એને લગતા તમામ સંદર્ભોમાં ઊંડા ઊતરી, તેનો મહત્તમ ચિતાર આપવાની કોશિશમાં શ્રી સંજય ચૌધરીની નિસબત, પ્રતિબદ્ધતા અને શ્રમને સાદ્યંત અનુભવી શકાય છે.
- (ડૉ. ભારતી રાણે, પરબ, જૂન 2010)
Administrator (admin):
Friday, 23 October 2009
મુંબઈ સમાચાર

શબ્દને સથવારે ગિરનારની પરિકમ્મા

સંજય ચૌધરીનું પહેલું પુસ્તક `ગિરનાર' પ્રવાસવર્ણનનું પુસ્તક છે ? હા અને ના. છેલ્લાં દસેક વર્ષમાં ગિરનાર, ગીર, જૂનાગઢ વગેરેના લેખકે કરેલા પ્રવાસો આ પુસ્તકના મૂળમાં રહેલા છે. પણ આ પ્રવાસો પહેલાં, દરમિયાન અને પછી પચાસ જેટલાં પુસ્તકો-લેખો વાંચી, મિત્રો-જાણકારો સાથે વાતો કરી, જે માહિતી મેળવી તેનું સંદોહન પણ આ પુસ્તકમાં છે. ગિરનાર અને પરિક્રમા, ગિરનારની તળેટી અને તેની આસપાસનાં મહત્ત્વનાં તીર્થધામો, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, ગિરનાર આરોહણ, ગિરનારની વનસ્પતિ અને વન્યસંપત્તિ, અને સાહિત્યમાં ગિરનાર - આટલા વિષયો પહેલાં અગિયાર પ્રકરણોમાં આવરી લીધા છે. પછીનાં છ પ્રકરણોમાં લેખકે જૂનાગઢના ઇતિહાસનું નિરૂપણ કર્યું છે, તેમાં મૌર્ય, શક, ગુપ્ત, રાજપૂત મુસ્લિમ, મુગલ અને બાબી યુગ કે વંશનો સમયગાળો આવરી લીધા પછી જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની વિગતો આપી છે.જૂનાગઢ, ગિરનાર અને તેની આસપાસનાં પ્રદેશ અને ત્યાં વસતા હિન્દુ-મુસલમાનોના એખલાસભર્યા જીવનને આલેખતી નરોત્તમ પલાણની નવલકથા હુહુ અંગેનો વિવેચન-લેખ પણ અહીં સમાવ્યો છે. અંતે પરિશિષ્ટમાં કેટલીક સામાન્ય માહિતી અને ગિરનારની આસપાસના આશ્રમોની વિગતો આપી છે અને છેલ્લે ઉમેરી છે સંદર્ભસૂચિ. આમ, આખું પુસ્તક ગિરનાર અને તેની આસપાસના પ્રદેશને શક્ય તેટલી સમગ્રતાથી આવરી લેવાનો સફળ પ્રયત્ન કરે છે. કહો કે લેખકે અહીં શબ્દ દ્વારા ગિરનારની પરિક્રમા કરી છે અને તેમાં જોડાવા વાચકોને આમંત્રણ આપ્યું છે.

દીપક મહેતા, બુકમાર્ક, મુંબઈ સમાચાર, રવિવાર, તા. 19-7-2009

 

Administrator (admin):
Sunday, 21 June 2009
જન્મભૂમિ પ્રવાસી

ગરવો ગઢ ગિરનાર

જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીના સુપુત્ર સંજય ચૌધરી બહુમુખી પ્રતિભા છે. અર્થશાસ્ત્ર, સંગીત, કૉમ્પ્યુટર અને લેખન ક્ષેત્રે તેમની ગતિ રહી છે. આ તેમનું ચોથું પુસ્તક છે. અહીં સંજયભાઈએ ગિરનાર અને જૂનાગઢ વિશે બધી જ માહિતી આપી છે. અહીં પ્રવાસવર્ણન ઉપરાંત વિવિધ માહિતી મળી રહે છે.

ગિરનારની પરિક્રમા વિશે વિવિધ માહિતી અને લોકમાન્યતાઓ આલેખ્યા પછી લેખકે ગિરનારની પરિક્રમાનું, પોતાના અનુભવોનું વર્ણન કર્યું છે. નકશો આપ્યાથી વાચક પણ જાણે કે તેમની આંગળી પકડીને ગિરનારની પરિક્રમા કરે છે. એ પછી ગિરનાર આરોહાણનું વર્ણન પણ એટલું જ રોચક છે. ગિરનારમાં આવેલાં વૃક્ષો, વન્યસંપત્તિ આ પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરે છે તો સાહિત્યમાં ગિરનાર પ્રકરણ લેખકના અભ્યાસનું દ્યોતક છે. ગિરનાર વિશે પુરાણો-મહાભારત તેમ જ જૈન ગ્રંથો અને બૌદ્ધ ગ્રંથોના સંદર્ભો તેમ જ ગિરનાર વિશે રચાયેલી નવલકથાઓ (મુનશી, મેઘાણી, પુષ્કરર ચંદરવાકર, નારાયણ ઠક્કુરથી ધ્રુવ ભટ્ટ સુધીના લેખકોની કૃતિઓ) તેમ જ ગિરનાર વિશેનાં કાવ્યો અને લોકસાહિત્યમાં ગિરનાર જેવાં લેખોથી આ વિભાગ સમુદ્ધ બન્યો છે.

જૂનાગઢ વિશે લેખકે પૌરાણિક વિગતો આલેખી મૌર્ય, શક અને ગુપ્ત યુગનાં શાસનો, ચુડાસમા વંશ, મુસ્લિમ સામ્રાજ્ય, બાબી વંશ સુધીનો ઇતિહાસ આપ્યો છે ને એ સમયનાં રાજકીય, સામાજિક, આર્થિક પાસાંનો ખ્યાલ આપ્યો છે. સૌરાષ્ટ્રના જીવનમાં મહત્ત્વનું  સ્થાન ધરાવનાર આરઝી હકૂમત વિશે આખું પ્રકરણ છે, જે આજની પેઢીને સારી માહિતી અને રોચક વાચન પૂરું પાડે છે. તદુપરાંત ઇતિહાસના અભ્યાસી પ્રાધ્યાપક નરોત્તમ પલાણની જૂનાગઢને કેન્દ્રમાં રાખીને રચાયેલી નવલકથા `હુ હુ વિશે લેખકે `શબ્દસૃષ્ટિ સામયિકમાં લખેલો લેખ અહીં પ્રગટ કર્યો છે. તેમાં પણ લેખકની સમ્યક દૃષ્ટિ વરતાય છે. પરિશિષ્ટમાં સામાન્ય માહિતી પણ ઉપયોગી નીવડે તેવી છે. સંદર્ભ સૂચિ જોતાં ખ્યાલ આવે કે લેખકે આ પુસ્તકને અધિકૃત બનાવવા કેટલી મહેનત લીધી છે.  

આપણે ત્યાં અભ્યાસીઓ અને સંશોધકો ઘટતા જાય છે ત્યારે આ પ્રકારનાં સંશોધન મંડિત પુસ્તકો આવકાર્ય છે. લેખક સંજય ચૌધરીનો પ્રકૃતિ પ્રેમ અહીં વિશદ્ રીતે પ્રગટ્યો છે. તેમની પાસેથી વધુ પ્રવાસવર્ણનો અને અનુભવો આપણને મળતા રહે એવી શુભેચ્છા.

- શ્રી સતીષ વ્યાસ (જન્મભૂમિ પ્રવાસી, રવિવાર, જૂન 7, 2009, પાના નં. 7)

 

 

Administrator (admin):
Sunday, 21 June 2009
દિવ્ય ભાસ્કર - પુસ્તક પરિચય

સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.

મૃગચર્મ ઓઢીને  કોઈ યોગીરાજ સમાધિમાં બેઠા હોય એવો ગિરનાર પર્વત, અને એની ચોપાસનો વિસ્તાર હિંદુ, જૈન, બૌદ્ધ એમ ત્રણેય પરંપરાના પ્રાચીન સાધનાસ્થાન તરીકે જાણીતો છે. ગિરનાર પર્વત, તેની પરંપરાગત પરિક્રમા, ધાર્મિક સ્થળો, તળેટી, જૂનાગઢ શહેર, ગિરનાર આરોહણ, ગીર જંગલની પ્રાણી - પક્ષી - વનસ્પતિ સૃષ્ટિ, સોરઠી સાવજ, જેવા વિશાળ વૈવિધ્યને તેમ જ સાહિત્યમાં ગિરનાર અને ગિરનારના સાહિત્યને લેખકે ઘણાં ઊંડાણપૂર્વક આ પુસ્તકમાં આવરી જાણ્યું છે. જૂનાગઢના ઈતિહાસનું આલેખન એમાં ઓર સમૃદ્ધિ આણે છે. લેખકનું ઇન્ફરમેશન ટેકનોલૉજીનું નૈપૂણ્ય પુસ્તકના પ્રત્યેક વિષયના ઊંડાણપૂર્વકના ખેડાણ થકી નિષ્પન્ન થયા વિના રહેતું નથી ગિરનાર માટેનો નાનકડો એન્સાઈક્લોપિડિયા જાણે ગૂંથાયાનું જણાય છે. ગિરનારની પરિક્રમાની સ્વાનુભવગાથાથી પ્રારંભાતું પુસ્તક ગિરનારની સમગ્ર સૃષ્ટિ-પ્રકૃતિ-પર્યાવરણની પરકમ્મા કરાવી જાય છે.

(શ્રી મયંક વ્યાસ, પુસ્તક પરિચય, દિવ્ય ભાસ્કર, રવિવાર, જૂન 7, 2009)

 

લેખ માટે અહીં ક્લીક કરો

 

Administrator (admin):
Sunday, 21 June 2009
અકીલા

ગિરનાર: પર્વત, વન, પરિક્રમાની ઐતિહાસિક વાતો આલેખતું પુસ્તક

અંદાજીત પોણા ત્રણસો પાનાંના આ દળદાર પુસ્તકમાં ગિરનાર પર્વત, પરિક્રમા, વનની ઐતિહાસિક વાતો આલેખવામાં આવી છે. ગિરનાર અને પર્વતીયમાળાના વારંવાર પ્રવાસોથી કંઈક લખવાની ઉત્કંઠા જાગી અને જાણેલું તથા માણેલું આ પુસ્તકમાં અક્ષરદેહે ઉતાર્યું છે. ગીર, ગિરનાર અને લીલી પરિક્રમાના અનુભવો સરસ રીતે આલેખ્યા છે.

અકીલા, રાજકોટ, તા. 26-5-200

Administrator (admin):
Sunday, 14 June 2009
રીડગુજરાતી.કૉમ

જૂન મહિનાની શરૂઆત થાય એટલે ગિરનારનું સ્મરણ સહેજે થઈ આવે, કારણ કે આજથી બરાબર એક વર્ષ પહેલાં આપણે ‘ગિરનારની ગોદમાં’ રખડવાનો આનંદ માણ્યો હતો. આજે ફરી એકવાર, સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી સંજયભાઈની કલમે ‘ગિરનાર’ પુસ્તકની સંગાથે ગિરનારનું સ્મરણ કરીએ. તાજેતરમાં પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન પામેલું આ પુસ્તક, ગિરનાર અને જૂનાગઢ વિશેની માહિતીના અમૂલ્ય ખજાના સમાન છે. ગિરનારનો ઈતિહાસ, ગિરનારની પરિક્રમા, તળેટીના વિસ્તારો, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, ગિરનાર આરોહણ અને સોપાન માર્ગ, ગિરનારનાં વૃક્ષ-ઔષધોની વિસ્તૃત માહિતી, વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર સહિત જૂનાગઢના પ્રાચીન ઈતિહાસનાં અદ્દભુત પ્રકરણો વાચકને રસતરબોળ કરી દે છે. શ્રી સંજયભાઈ, ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટૅકનોલોજી (DA-IICT), ગાંધીનગર ખાતે પ્રૉફેસર તરીકે કાર્યરત છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ., વાદ્યસંગીતમાં સંગીતવિશારદ, કોમ્પ્યુટરવિજ્ઞાનમાં પી.જી. ડિપ્લોમા, એમ.ફીલ અને પી.એચ.ડીની પદવી મેળવી છે. કોમ્પ્યુટર વિજ્ઞાન વિષય ઉપર તેમના પાંત્રીસથી વધારે સંશોધનલેખો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ તથા જર્નલમાં પ્રકાશિત થયા છે. તેઓ સરકારી અને ખાનગી કંપનીઓમાં સલાહકાર તરીકેની સેવાઓ પણ આપે છે. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.

– તંત્રી, રીડ ગુજરાતી.કૉમ

લેખ માટે ક્લીક કરો (Click here for the article)

 

Amazon disclaimer
PLEASE KEEP IN MIND THAT SOME OF THE CONTENT THAT WE MAKE AVAILABLE TO YOU THROUGH THIS APPLICATION COMES FROM AMAZON WEB SERVICES. ALL SUCH CONTENT IS PROVIDED TO YOU "AS IS." THIS CONTENT AND YOUR USE OF IT ARE SUBJECT TO CHANGE AND/OR REMOVAL AT ANY TIME.
powered by Collection Manager v.0.4.3rc4
© 2022 રંગદ્વાર પ્રકાશન