‘બચાવનામું’ – એ શ્રી રઘુવીર ચૌધરીનું 2011માં પ્રકાશિત થયેલું પ્રલંબકાવ્ય છે. કવિ નિવેદનમાં કહે છે, આ રચના ત્રણેક દાયકાથી મારી કસોટી કરતી રહી છે. મૂલ્યની હાર અને બળની જીત, સાધનાની હાર અને સાધનની જીત એ આજની વૈશ્વિક સમસ્યા છે.
એક તરફ સાત્વિકતા દ્વારા સધાતી સંવાદિતા અને બીજી તરફ તમસ ગુણના વર્ચસ્વ દ્વારા પરિણમતી રોગિષ્ટ અવસ્થાને કવિ એક કથાનક દ્વારા રજૂ કરે છે. ખેડૂતપુત્ર સોમ સમગ્ર સુષ્ટિનો ચાહક અને સંરક્ષક છે. જ્યારે મંત્રી પુત્ર ભોમ વાણિજ્યના વધતા વ્યાપથી રાજી છે. ગુરુ ગર્ગે – કુલ – ગોત્રના ભેદ વગર બંને શિષ્યોને ઉછેર્યા છે. અહીં શિષ્યા અમી પણ છે. જેને અપ્સરા કહી ભોમ વખાણે છે અને તેને પામવા ઝંખે છે. સોમ ‘જય રાધિકા’ કહી એનું સન્માન કરે છે. ગુર્જર દેશના વન્ય વિસ્તારમાં વિદ્યાકુંજ ‘નિહારિકા’ સ્થપાય છે સોમ દ્વારા, તો બીજી બાજુ ભોમ ‘અર્થ’ નામનું સંકુલ ઊભું કરે છે. યંત્રાગાર ‘અર્થ’માં થતા પ્રચંડ વિસ્ફોટથી ‘નિહારિકા’ નાશ પામે છે.
ફરી એક વાર સોમ ઉત્તરા નામે વિદ્યાધામ રચે છે, જેમાં તેને અમીનો સાથ મળે છે. હેલન નામે પરદેશી સુંદરી સાથે ભોમ વિદેશના ઘને કલાકેન્દ્ર સ્થાપે છે – ‘ઉત્કર્ષ’. એક તબક્કે ભોમ ઇચ્છે છે કે પોતના સશસ્ત્ર હુમલાથી સોમ, અમી, અમીપુત્ર જય સહુ સામટાં મરે. પણ કાવ્યના અંતે યૌનરોગથી ગ્રસ્ત ભોમ પર હેલન પણ દયા ખાય છે. પોતે ભોગવેલું અને જોગવેલું ભોમને હવે વ્યર્થ ભાસે છે. ‘ઉત્કર્ષ’ની બંધ ઇમારતોમાં આરોગ્યધામ થવાનો સંકેત છે અને સહનોભુનક્તુના મંત્ર સાથે અમી, સોમ અને અન્ય છાત્રો નવીન કેડી રચે છે… શ્રી ભોળાભાઈ પટેલ કહે છે કે, સમગ્રપણે ‘બચાવનામું’ શ્રદ્ધાનું કાવ્ય છે. કવિનો આ અભિનવ કલ્પલોક છે. ઇતિવૃત્ત અને ઉર્મિતત્ત્વના સંયોગથી આ કાવ્યકથા સાંપ્રત ગુજરાતી કાવ્યપ્રવાહમાં એક સંસિદ્ધિ રૂપે આપણને પ્રાપ્ત થાય છે.
Reviews
There are no reviews yet.