આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પુસ્તકને “નિબંધ અને પ્રવાસ” હેઠળ વર્ષ ૨૦૦૯માં પુરસ્કાર એનાયત કર્યો હતો.
ગિરનાર અને તેની ચોપાસનો વિસ્તાર હિન્દુ, જૈન, બૌદ્ધ ત્રણેય મુખ્ય પરંપરાના આશ્રયસ્થાન – સાધનાસ્થાન તરીકે અતિ પ્રાચીન છે. સૌરાષ્ટ્રના જ નહીં પણ ગુજરાતના આ સૌથી ઊંચા પર્વત માટે કહેવાયું છે કે ‘મૃગચર્મ ઓઢીને કોઈ યોગિરાજ સમાધિમાં બેઠા હોય તેવો દેખાય છે.’ જૈનોના પાંચ પવિત્ર પર્વતોમાંનો એક એવો ગિરનાર ગરવો ને સૌથી અદેકરો છે. તેની ગોદમાં અઢી હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતું પુરાણ પ્રસિદ્ધ ગિરિનગર – જૂનાગઢ સમાયું છે. તે નગરની સંસ્કારિતાની શાખ પૂરતા ત્રણ રાજવંશ; મોર્ય સમ્રાટ અશોક, મહાક્ષત્રપ રુદ્રદામા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખ ગુજરાતની સંસ્કારિતાનું અણમોલ ઘરેણું છે. લેખક ક્મ્પ્યુટર વિજ્ઞાનના પ્રૉફેસર છે. એમણે ગિરનારની લીલી પરિક્રમા અને આરોહણના સ્વકીય અનુભવો અહીં આપ્યા છે. પ્રજાજીવન માટેનો એમનો પ્રેમ પણ અહીં વ્યક્ત થયો છે.
લેખકે આ ભૂમિમાં વારંવાર ભ્રમણ કરી, એના ઇતિહાસનો, એના પૌરાણિક સંદર્ભોનો, એના ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાનનો, એની વન્યસંપત્તિનો, એના લોકસાહિત્યનો, એના પર લખાયેલ સાહિત્યનો, વગેરે અનેક પાસાંઓનો સમગ્રલક્ષી અભ્યાસ કર્યો અને એના પરિપાક રૂપે જે પુસ્તક પ્રાપ્ત થયું, તે આ પુસ્તક `ગિરનાર’. ગિરનારને સમગ્રતાથી ચાહી, એને લગતા તમામ સંદર્ભોમાં ઊંડા ઊતરી, તેનો મહત્તમ ચિતાર આપવાની કોશિશમાં લેખકની નિસબત, પ્રતિબદ્ધતા અને શ્રમને સાદ્યંત અનુભવી શકાય છે.
સંશોધનની શરતે ને પ્રવાસીની જિજ્ઞાસાથી તૈયાર થયેલું આ પુસ્તક પર્વતાધિરાજ એવા ગિરનારની પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ભૌગોલિક, પ્રાકૃતિક અને સાહિત્યિક એવી આધારભૂત માહિતી સંઘરતા નોંધપાત્ર એવા દસ્તાવેજી ગ્રંથનું મૂલ્ય ધરાવે છે. આ યાત્રાની અનુભવગાથામાં વણાઈને આવતી સ્થળ વિષયક માહિતી પ્રવાસ વર્ણનની ગતિશીલતાને કારણે સ્થૂળમાત્ર બની રહેતી નથી. સાહિત્યમાં ગિરનારનો ઉલ્લેખ ચીંધી બતાવતા આ પુસ્તકમાં – “ગિરનાર માટેનો નાનકડો એન્સાઈક્લોપિડિયા જાણે ગૂંથાયાનું જણાય છે. ગિરનાર જેવી સમૃદ્ધિથી છલકતો આ ગ્રંથ પ્રવાસીઓ, રસિકો, અને અભ્યાસુઓ માટે ચોક્કસ દિગ્દર્શક બની શકે તેટલો માતબર ઉપયોગી છે. ને એ જ તો એની ખરી ઊંચાઈ છે.
Reviews
There are no reviews yet.