રઘુવીર ચૌધરી આપણી ભાષાના બહુશ્રુત સર્જક છે. સાહિત્યનાં લગભગ તમામ સ્વરૂપોમાં સહજ અને મહદઅંશે સફળ ગતિ કરનારા આ સર્જકને ભાવક અને વિવેચક બંનેનો સરખો આદર મળ્યો છે. મને સર્જક રઘુવીર તો ગમે જ પણ મને હંમેશાં વિદ્યાર્થીઓની શિબિરમાં પાંચ દિવસ હાજર રહેનાર, કોઈપણ નવોદિતમાં ચમકારો દેખાય તો એને સમૂહ સામે લઈ જનાર, સાહિત્ય પરિષદને આજની સ્થિતિમાં સાકાર કરનાર સમાજધર્મી રઘુવીર પણ એટલા જ ગમે. આ મૂલ્યોના માણસને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારથી હું રઘુવીર ચૌધરીના સમગ્ર સર્જનનું પુન:મુલ્યાંકન કરતા પરિસંવાદ વિશે વિચારતી હતી. પણ ટાંચા સાધનો અને સંકુચિત થતી જતી વિચારસરણીને કારણે મારા શહેરમાં એ શક્ય ન બન્યું. મારી આ મૂંઝવણનો ઉકેલ આણ્યો મિત્ર મીનલ દવેએ. એમની કૉલેજના અતિ ઉત્સાહી આચાર્યશ્રી ડૉ. નીતિન પટેલે બે દિવસનો પરિસંવાદ કરવાનું સ્વીકાર્યું. પરિણામ સ્વરૂપ 23-24 સપ્ટેમ્બર, 2019ના રોજ મોરારિબાપુના આશીર્વચનો સાથે બે દિવસીય ‘રઘુવીર વિશેષ’નું આયોજન ભરુચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં થઈ શક્યું. કેન્દ્રીય સાહિત્ય અકાદમીને આ પરિસંવાદ સાથે સાંકળવામાં શ્રી વિનોદ જોશી નિમિત્ત બન્યા. કૉલેજના ગુજરાતી વિભાગે ઉત્સાહભેર દોડાદોડી કરી એ તો સમજાય પણ સમગ્ર સ્ટાફ પ્રેમથી બે દિવસ ખડેપગે રહ્યો એનો સવિશેષ આનંદ. બધા વક્તાઓ આવ્યા. બે દિવસ પ્રેમથી રહ્યા ને હરખ થાય એટલું સારું બોલ્યા. સૌ સારું બોલ્યા એટલે તમામ લેખ સાચવી લેવાની ઈચ્છા થઈ. એ ઈચ્છાનું પરિણામ એટલે ‘રઘુવીર વિશેષ.’
વાંચનાર જોઈ શકશે કે રઘુવીર ચૌધરીના સર્જનકાર્યનાં વિવિધ પાસાંનું અહીં સાચા અર્થમાં પુન:મુલ્યાંકન થયું છે. પાંચ આંગળી સરખી નથી હોતી, લેખનુંય એવું માનવું. આજના સમયે વિવેચન છાપવા કોઈ તૈયાર નથી. એ સંજોગોમાં રંગદ્વારના સુનિતા ચૌધરી આના માટે તૈયાર થયા એ બદલ એમનો શાબ્દિક આભાર માનવો શક્ય નથી. લેખ લખી આપનાર તમામ વક્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
- શરીફા વીજળીવાળા
Reviews
There are no reviews yet.