ભારતની બાવીસ ભાષાઓમાંથી પસંદ થયેલા દસ લેખકો ચીની લેખક મંડળના મહેમાન બન્યા, તેમાંના એક તે શ્રી રઘુવીર ચૌધરી.
‘ચીન ભણી`માં તેઓ ભારત અને ચીનની તુલના કરતાં લખે છે, સાંસ્કૃતિક સંપદાની જાળવણી કરી, વિશ્વભરના પ્રવાસીઓને આમંત્રવા અંગે ભારતે ચીન પાસેથી ઘણું શીખવા જેવું છે. ઉપરાંત ધર્મની સીધી મદદ વિના, વિપક્ષના ઉહાપોહ વિના, રાજ્યના આદેશ મુજબ શિસ્તથી કેવો વિકાસ થઈ શકે તેનું પણ ચિત્ર મળે છે.
ચીન વિશેના છવ્વીસ લેખોમાં એક છે સ્વર્ગનું મંદિર : ટેમ્પલ ઑફ હેવન – આ મૂર્તિ વિનાનું મંદિર છે. પણ મંદિરની રચના એવી છે કે મૂર્તિની ખોટ ના સાલે. સ્વર્ગનું મંદિર એ દૈવી તત્ત્વોનો અનુગ્રહ સ્વીકારી, એમને પ્રાર્થીને વધુ પ્રસન્ન કરવા માટે છે. યજ્ઞ પ્રકારના કર્મકાંડ ત્રણ દિવસ સુધી ચાલે, જેમાં રાજા મોખરે રહે. ત્રીજા દિવસના અંતે ઉપવાસી રાજા, મંદિરમાં રહે, જેથી સ્વર્ગ સાથે સંવાદ સધાય.
પ્રાચીન ચીનની વિભૂતિઓ નામના લેખમાં ઠેરઠેર વેરાયેલી ચિંતન કણિકાઓ વાચકને અમૂલ્ય બોધ આપે છે, જેમ કે. ‘લેવું હોય તો પહેલાં આપવું પડે.’ અન્ય લેખોમાં ‘દિવાલ ખરી પણ મહાન’, ‘ગોબીના રણનો ચંદ્ર`, ‘સ્ત્રી-પુરુષ સમાનતા – ચીનની સિદ્ધિ` વગેરે ધ્યાન ખેંચે તેવા છે. પ્રાચીન ચીનની વિભૂતિઓ લાઓ ત્ઝુ, કન્ફ્યૂશિયસ તથા હ્યુએન સાંગ વિશેના પ્રકરણો પણ છે. ચીન વિશેના પુસ્તકોમાં આગવી ભાત પાડતું આ પુસ્તક સૌએ વાંચવા જેવું છે.
Reviews
There are no reviews yet.