જાણીતા લેખક શ્રી કિરીટ દૂધાત જણાવે છે કે –
“ઊઘડતી દિશા – સંજય ચૌધરીની વાર્તાસૃષ્ટિ : સહેજ નોખો અવાજ”
મને કોઈ વાર્તાકાર કે નવલકથાકારમાં રસ પડે તો પહેલાં એ તપાસું કે એના સર્જનમાં કોઈ સ્થાયી કથાવસ્તુ (perennial theme) છે કે કેમ? આપણે પ્રશ્ન પૂછીએ કે વાર્તાકાર સંજય ચૌધરીનું કોઈ આવું સ્થાયી કથાવસ્તુ છે કે કેમ? તો મને એનો જવાબ મળ્યો છે કે હા છે. શું છે આ થીમ? આ વાર્તાકારનું થીમ છે એના નાયક / કથકમાં પ્રગટ થતી અન્યો તરફની સમસંવેદનાયુક્ત જીવનદૃષ્ટિ. એમના કથકો પોતાની જિંદગીમાં સુરક્ષિત રીતે ગોઠવાયેલા છે પરંતુ એમણે આસપાસની દુનિયાથી મોં ફેરવી લીધું નથી. વાર્તાના કથનમાં એમનો સંવેદનાપૂર્ણ દૃષ્ટિકોણ વાચકને પણ વિચારવા પ્રેરે છે અને વાર્તાનાં પાત્રો અને વર્તમાન પરિસ્થિતિ નિમિત્તે જીવતા માણસોની સમસ્યાઓ વિશે સભાન કરે છે.
સર્જક સંજયની શક્તિઓ એમની ઉત્તર ગુજરાતની પૃષ્ઠભૂમાં લખાયેલી ગ્રામસંવેદનાની વાર્તાઓમાં પૂરેપૂરી પ્રગટ થાય છે. ‘ઊઘડતી દિશા’ હોય કે ‘વૅલ્યૂ’ કે પછી ‘નાળું’ એનાં પાત્રોનાં માનસનાં એકથી વધુ સ્થિત્યંતર સાત-આઠ પાનાંની વાર્તામાં સંજય ચૌધરી જે રીતે નિરૂપી શકે છે ત્યાં એમની કલમની પ્રૌઢિ દેખાય છે. એમની વાર્તાનાં પાત્રો આમ તો દરેક ઉંમરનાં છે પણ કિશોરો અને યુવાનોનાં માનસનું નિરૂપણ લેખક સચોટ રીતે કરી શકે છે. લેખક તરીકે સંજય ચૌધરી પોતાની શહેરી અને ગ્રામચેતનાની વાર્તાઓથી અલગ છાપ પાડે છે. તો ગુજરાતી ટૂંકી વાર્તાના આ સહેજ નોખા અવાજનું આપણે સ્વાગત કરીએ.”
– કિરીટ દૂધાત
‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ (૧૪ ડિસેમ્બર ૨૦૨૪) ‘રસરંગ’માં શ્રી લલિત ખંભાયતાએ લખ્યું છે કે “લેખકનો આ પ્રથમ વાર્તાસંગ્રહ છે. પણ લેખનમાં ક્યાંય નવોદિતપણું દેખાતું નથી. પહેલો છે પણ પાવરફુલ છે. જે લોકો સંજય ચૌધરીને ઓળખે છે એમને અહીં તેમના નવા સ્વરૂપના દર્શન થશે.”
કંદર્પ ર. દેસાઈ –
ઊઘઽતી દિશા: સંજય ચૌધરી
કેટલાક પ્રશ્નો જેના જવાબ આપણે જ શોધવાના છે.
સંજય ચૌધરી હમણાં લખતા ગુજરાતી ટૂંકીવાર્તાના મહત્ત્વના વાર્તાકારોમાંના એક છે. તેમણે શહેરી-કોર્પોરેટ જીવન અને ગ્રામજગતની વાર્તાઓ ઉપર એકસરખી કાબેલિયતથી કામ કર્યું છે. તેમનો ‘ઊઘડતી દિશા’ નામનો વાર્તાસંગ્રહ 2024માં પ્રગટ થયો છે. એક સાથે બધી વાર્તા વાંચતા તેમનામાં રહેલાં સંવેદનશીલ માણસનો આપણને પરિચય થાય છે. વાર્તાકાર માનવ મનની બારીકીને જુએ છે, સાથે સંબંધોની આંટીઘૂંટી અને ગૂંચ વાચક સમક્ષ મૂકી આપે છે. એ સાથે વાર્તાકાર પોતાનું કામ પૂરું કરે છે. આગળ ઉપર ભાવકે વિચારવાનું રહે.
‘એક હાથે કાંય તાળી પડે?’ વાર્તામાં નાયિકા માયા કરિઅર અને પ્રેમસંબંધ- રિલેશનશીપ- બંનેમાં પોતાનું સો ટકા આપતી હોવા છતાં નાસીપાસ થવાનો વારો આવે છે ત્યારે તેની પીડા ભાવકને પણ સ્પર્શી જાય છે. આવી પળોમાં જ્યારે કુટુંબના સધિયારો ના મળે તો વ્યક્તિ ક્યાં જઈ પહોંચે તે તો ભાવકે કલ્પવું રહ્યું. વાર્તાની શરૂઆતમાં જ લેખકે માયાની નજરે જે બતાવ્યું છે તે જાણે માયાની નિયતિ છે.
“- તેને થોડુક આશ્ચર્ય તો થયું જ કે ચારેક વર્ષ પહેલાં શહેરથી પચીસેક કિલોમીટર દૂર આવેલ આ કોર્પોરેટ પાર્કમાં જ્યારે તેની ઓફિસ ખસી ગઈ ત્યારથી કૅમ્પસના આ ચોથા ટાવરના પાછળના ભાગમાં ખાસ કશું કેમ વિક્સ્યુ જ નથી?”
અહીં ભાવકને વિચાર આવે કે માયાએ એક નજર પોતાના ભણી પણ વાળી હોત-? ક્યાંક પહોંચ્યા પછી આગળ નથી વધી શકાતું, સ્થિર થઇ જવાય છે, તળાવ કે ખાબોચિયાની જેમ. આ નિયતિને પડકારવી જ રહી. બંધિયારપણાથી મુક્ત થવા પરિવર્તનને સ્વીકારવું જ રહ્યું.
એવી જ બીજી એક વાર્તા ‘શોધ’ માતા-પિતા અને સંતાન વચ્ચે ઉભા થતા કમ્યુનિકેશન ગૅપને બખૂબી ચીંધે છે. કોલેજમાં ભણતી શિવાની એકાએક ગુમ થઈ ગઈ છે અને માતા-પિતા દીકરીને શોધવા પોતાના વગના જોરે કોલેજના અધ્યાપકો પર ધોંસ જમાવે છે. પરંતુ દીકરી પ્રત્યેની પોતાની બેદરકારીને નજરઅંદાજ કરે છે. વાર્તાના અંતે પેરેંટ્સને પોતાની ભૂલ સમજાય છે પણ સંતાનનું શું? એ પોતાની ઇચ્છા-અનિચ્છા કે આકાંક્ષા વિશે માતા-પિતા સમક્ષ ખુલીને વાત કરી શકે એવો ભરોસો કેમ નથી? આ પ્રશ્નનો ઉત્તર તો દરેક માતાપિતાએ પોતાની રીતે જ શોધવો રહ્યો. રૂપિયા ખર્ચીને સારી કોલેજમાં એડમિશન અપાવી માતાપિતા પોતાની જવાબદારી પૂરી થઈ એમ માને છે. એ પછી જે કંઈ બને તે માટે જવાબદારી હોય તો તે કોલેજના માથે. આ જાતનો વ્યવહાર કેટલાય માતાપિતા કરતા હોય છે તે ઉચિત છે કે કેમ એવો સવાલ પણ થવાનો. સામે કોલેજની પણ કોઈ જવાબદારી બને? બદલાતા સમાજ પાસે આ બધા પ્રશ્નોના જવાબ તો છે પણ તે સ્વીકારી જવાબદારી ઊઠાવવાની તૈયારી નથી.
‘ઊઘડતી દિશા’ વાર્તા વંચિતો માટે મધ્યમવર્ગીય સંવેદનશીલ વ્યક્તિ કશું કરી શકે કે કેમ? કરે તો શું કરે એવા પ્રશ્નોનો ઉત્તર ભાવક પાસેથી માંગે છે. પિતાની ઉપેક્ષા અને માતાની બીમારીના કારણે વાસમાં રહેતા ત્રણ છોકરાંઓ ભણવા-રમવાની વયે પેટનું ભાડુ ચૂકવવા શાકભાજીની લારી ફેરવે છે કે ચાર રસ્તે મૂર્તિ વેચે છે. દરમિયાન શહેરના વિકાસના ભાગ રૂપે રોડ પહોળો થતા એમનું ઝૂંપડું કપાતમાં ગયું. બદલામાં પંદર કિલોમીટર દૂર નવી વસાહતમાં ઘર મળ્યું અને ત્યાં રહેવા ગયા. નાયક પ્રેમલ અને એની પત્ની માયા કઈ રીતે મદદરૂપ થવું એ વિચારી રહે છે પણ ક્યારેક શાકભાજી ખરીદવા કે ફ્રિજમાં પડેલી મીઠાઈ આપવા સિવાય ખાસ કશું કંઇ કરી શકતા નથી. કશું કરવાની દાનત નથી એવું નથી પણ ખરેખર શું કરવું જોઈએ, કંઈ રીતે કરવું એનો કોઈ ચોક્કસ ઉત્તર નથી. ભાવક ચિત્ત પાસે એનો કોઈ જવાબ ખરો? બાકી પ્રેમલ જ્યારે સોસાયટીમાં છોકરાંઓની લારી પાસે ઊભા ઊભા વાત કરતો જોઈને સામેવાળાં જે બોલે છે – “આય સાવ નવરો થઈ ગયો લાગે છે.” તેવું કહેનારાઓની ક્યાં ખોટ છે?
‘ઓસરતી ઉષ્મા’ વાર્તા આજની પેઢી રિલેશનશિપ કે લગ્નને કેટલું કેજ્યુઅલી-હળવાશથી લે છે; સંતાન પ્રત્યેની પોતાની જવાબદારી ટાળવી કે લગ્નેત્તર સંબંધમાં વિના સંકોચ ચાલ્યા જવું જેવી બાબતો તરફ આંગળી ચીંધે છે. એમાં મંથન જેવા પુરુષો ફસાઈ જાય છે. એ પછી સંબંધમાં માત્ર ઔપચારિકતા બચે છે. તેજસ્વી હોવા છતા જ્યારે સમાજમાં ધારેલું રિકમેન્ડેશન- માન ન મળે ત્યારે અજંપો પામેલી વ્યક્તિ બીજી બાબતો તરફ વળે. જેમ કે અહીં શ્વેતા આકાશ તરફ વળી છે. ક્યારેક થાય કે આ બધા ટકી રહેવાના ઉપાય છે. – તો પછી જે સંબંધ લગ્ન સુધી પહોંચ્યો છે એમાં ટકી રહેવાના પ્રયત્નો કેમ નથી થતાં? આ વાર્તાની સાથે જ સંજયે લખેલી ત્રીજો ભવ વાર્તા જોડાજોડ મુકી તુલનાત્મક અધ્યયન થવું જોઈએ.એમ કરવાથી ભારતમાં એક સાથે કેટલાંય ભારત વસે છે એની પ્રતીતિ થશે. અહીં પણ વાર્તાનો વિષય લગ્નેતર સંબંધનો જ છે; પણ સમાજ ગામડાંનો છે. પરિણામે ખુલીને શ્વાસ લેવાં માટે બળદેવ અને ભીખીને પોતાનું ઘર, ગામ, નામ છોડી દૂરના કોઈ ગામમાં રહેવા જવું પડે છે. પોતાના સંતાનો હોવા છતાં પારકામાં દીકરાને શોધવો પડે છે. બાપને મળવાના જવામાં કોઈ ભાળી જશે તો? એવી બીક રહે છે. ખાસ તો બળદેવના મિત્રે પૂછેલો સવાલ, “બોલો, તમીં હું મેળવ્યું?” નો જવાબ આપવો ભારે થઈ પડે છે. એક તરફ લગ્ન અને પ્રેમ જેવી બાબતો પર સરળતાથી નિર્ણય પર પહોંચતો શહેરી વર્ગ છે અને બીજી બાજુ એવો ગ્રામીણ સમાજ જે લગ્નેતર સંબંધની વાતે મારવા સુધી પહોંચી જાય છે. સંજય ચૌધરીએ બન્ને પ્રકારના સમાજને નજીકથી જોયા છે અને તેથી અધિકૃત રીતે આ બન્ને વાર્તાઓ લખી શક્યા છે.
‘વૅલ્યૂ’ માં રેકમન્ડેશન- સમાજમાં સ્વીકાર થવાની વાત વાર્તાનો વિષય બને છે. અહીં પરિવેશ ગામડાનો છે. ગામની દૂધનીડેરીમાં મજુરી- તૂટવા સુધીનું કામ કરવા છતાં યોગ્ય કદર નથી થતી, બલ્કે અપમાનિત કરવામાં આવે છે એટલે શંભુ; પોતાની વેલ્યુ ઊભી કરવા ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળે છે અને પછી એનો સંપર્ક કપાઇ જાય છે. ઘરની ખેતી, મા, પત્ની અને આવનારા બાળકને જોયા વિના જ આમ નીકળી પડવું-? યુવા પેઢીનો આ અંજપો દૂર કરવાનો કશો ઉપાય નથી શું? એજ રીતે ‘ડોંકી’ વાર્તામાં પિતા અમેરિકા જઈ પાછા આવ્યા છે. જો કે દીકરાને અમેરિકામાં જ પોતાનો ઉદ્ધાર દેખાય છે. પિતાનો પોતાના અનુભવ પણ દીકરાને ગેરકાનૂની રીતે ન જવા સમજાવી શકતા નથી. ‘ડોંકી’ ના અનેકાર્થો પણ વાર્તામાં ખુલે છે. ગધેડાની જેમ મજુરી કરવાથી લઈ ગધેડાની જેમ જીવવા સુધીની વાત અહીં કહેવાઈ છે.
‘ટ્રાન્સફર’ વાર્તા બદલાતા સમયમાં જૂની પેઢીના વયસ્ક માણસો એ કેવી ગૌરવભરી રીતે નિવૃત્ત સ્વીકારવી તે તરફ આંગળી ચીંધે છે. અહીં પણ એવો પ્રશ્ન તો રહે જ ટેકનોલોજીને સરળતાથી સ્વીકાર ન શકતા વર્ગના અનુભવનો લાભ આપણે એમનું ગૌરવ જાળવીને; એમને માનભંગ કર્યા વિના કેમ નથી લઈ શકતા?
સંગ્રહની અન્ય નોંધપાત્ર વાર્તાઓમાં ‘નાળું’, ‘અબોલ’, ‘ખેંચાણ’ વગેરે છે જેમાં ભાવકને આજના ગ્રામ સમાજની વરવી વાસ્તવિકતાનો પરિચય થાય છે.
શું શહેર કે શું ગામ- સમય બદલાય છે એમ પ્રશ્નો બદલાય છે. વાર્તાકાર તો જે જૂએ છે એ આપણી સમક્ષ મૂકી આપે છે. એમાંથી વાચકે જ આગળ ઉપર વિચારવાનું કે નક્કી કરવાનું રહે કે ઊઘડતી દિશા તરફ જવું છે કે અંધારામાં બેસી રહેવાનું છે?
– કંદર્પ ર. દેસાઈ
on his facebook page