જેમણે ક્યારેય શાળા-કૉલેજમાં ઔપચારિક શિક્ષણ લીધું નથી, પણ સ્વાધ્યાયથી અનેક એકલવ્યોથી અનેરું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એવા શ્રી નારાયણભાઈ દેસાઈનો પરિચય આપતાં શ્રી રધુવીર ચૌધરી લખે છે :
“ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નારાયણભાઈએ વ્યાપક લોકશિક્ષણ માટે ગ્રંથયાત્રાઓ યોજી, સમાજના બધા વર્ગોને અભેદભાવે સાહિત્યમાં સ્થાન મળે અને સમગ્ર ગુજરાતીભાષી પ્રજાની ઊર્જા કલ્યાણકારી બનીને શબ્દને સુંદર બનાવે એવી એમની ખેવના રહી છે.”
‘ઘણું જીવો ગુજરાતી’ એ બે પ્રવચન અને બાવીસ પત્રોનો સંચય છે. અન્ય ભાષાઓનો આપણા પર એટલો બધો પ્રભાવ છે કે આપણી ભાષા ‘ખીચડીભાષા’ બનતી જાય છે ત્યારે માતૃભાષાને નબળી પડતી કે મરવા પડતી અટકાવવા શું શું થઈ શકે એ માટે લેખક સરળ ઉપાયો સૂચવે છે
- માતૃભાષાના વપરાશ અંગે ચીવટ અને ચોકસાઈ રાખી ભાષાનું ગૌરવ જાળવીએ.
- આપણા પરિવારમાં તમામ વહેવાર આપણી માતૃભાષામાં જ કરીએ.
- શિક્ષણનું માધ્યમ ગુજરાતી જ રાખીએ
- આપણી દુકાન કે દફતરનાં નામ ગુજરાતીમાં જ રાખીએ અને તેનાં પાટિયાં ગુજરાતી લિપિમાં લખીએ
- સ્કૂલ કૉલેજોમાં ભાષા સિવાયની તમામ વિદ્યાશાખાઓમાં ઓછામાં ઓછું એક પ્રશ્નપત્ર માતૃભાષા અંગે રાખીએ
`જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ની પ્રતીતિ આ પુસ્તક કરાવે છે. વસાવવા – વાંચવા જેવું પુસ્તક.
Reviews
There are no reviews yet.